જૈન સાધુ-સાધ્વી ભગવંતો અને ગામડાંમાં વિચરણ

જૈન સાધુ-સાધ્વી ભગવંતો અને ગામડાંમાં વિચરણ

PDF Link of this article

  • અમદાવાદમાં એક શ્રાવકે મને સલાહ આપવાના ટોનમાં પ્રશ્ન કરેલો – ‘સાધુ-સાધ્વી ભગવંતોએ ગામડાંમાં જ ન વિચરવું જોઇએ ?’
    દેલવાડા તીર્થે પણ એક શ્રાવકે ફરિયાદના ટોનમાં કહ્યું – ‘સાધુ-સાધ્વી ભગવંતો ગામડાંમાં રહેતા નથી.’ વિહારમાં એક શહેરમાં એક શ્રાવકે આ જ વાત કરી…
    એકસરખી વાત થવાથી, આના ઉપર મંથન થયું. તે લખવું જરૂરી લાગતાં લખી રહ્યો છું.
  • સૌ પહેલો પ્રશ્ન તો એ છે કે ‘સાધુ-સાધ્વી ભગવંતોએ શું કરવું જોઇએ ?’ એનો નિર્ણય કરવાનો અધિકાર શ્રાવકોને છે ખરો ? જવાબ અસંદિગ્ધ ‘ના’ છે. શાસ્ત્રાભ્યાસ અને અનુભવથી પરિપક્વ નહીં બનેલા અગીતાર્થ સાધુને પણ જે અધિકાર નથી, તેનો અધિકાર બિલકુલ શાસ્ત્રજ્ઞાન ન ધરાવનારા શ્રાવકોને શી રીતે હોઇ શકે ?
    જેનો નિર્ણય કરવાનો અધિકાર ન હોય, તે વિષયમાં ફરિયાદ કરવાનો અધિકાર તો હોઇ જ ન શકે, એ સ્પષ્ટ છે. હા, વિચારણારૂપે-સૂચનરૂપે રજૂઆત કરવાનો – વિનંતી કરવાનો અધિકાર હિતેચ્છુ શ્રાવકોને હોઇ શકે. પણ ત્યાં ગીતાર્થના નિર્ણયને સર્વોપરી માનવાની બુદ્ધિ હોવી જરૂરી છે; નહીં તો એ સૂચન કે વિનંતી અનુચિત આગ્રહમાં પલટાઈ જતાં વાર ન લાગે.
  • હાલ એક ચોક્કસ વર્ગ છે, જે ‘આખી દુનિયાએ શું કરવું જોઇએ ?’ તેનો નિર્ણય કરવાનો અધિકાર પોતાને હોવાનું માને છે… આખી દુનિયાને સલાહ આપવાનો અધિકાર પોતાને હોવાનું માને છે… અને તેવી સલાહો આપતાં લેખો-પુસ્તકો લખે છે… ફરફરિયા વહેંચે છે… અને પોતાની સલાહ ન માનનારા શાસનના હિતેચ્છુ નથી.. સ્વાર્થી છે.. સંયમી નથી… સુખશીલીયા છે… વગેરે માને છે, છડેચોક કહે પણ છે…
    એ બધા, Rationalist-બુદ્ધિજીવી પત્રકારો જેવા છે. તેમને ઉપદેશ આપવાનો કોઇ અર્થ જણાતો નથી. તેમની દયા ભાવવી, માધ્યસ્થ્ય ભાવનાના વિષય બનાવવા, એ જ ઉપાય છે.
    તેમની પ્રવૃત્તિઓ જોઇને, દશવૈકાલિક સૂત્રની નિર્યુક્તિનું વચન યાદ આવે – ‘સાવદ્ય-અનવદ્ય વચનનો ભેદ ન જાણનારા અગીતાર્થ સાધુને બોલવાનો પણ અધિકાર નથી, તો દેશનાની તો વાત જ શું કરવી ?’
    આવા બુદ્ધિજીવીઓના વાદે કોઇ ભોળા-હળુકર્મી જીવો ચડી ગયા હોય, તો તેમને એટલું જ કહેવાનું મન થાય – ઉત્સૂત્ર દેશના, પરસ્થાન દેશના વગેરે બધું જ અનંત સંસાર-પરિભ્રમણનું કારણ છે – તેવાં શાસ્ત્રવચનો છે, મરીચિ વગેરે દૃષ્ટાંતો છે. જો પાપભીરુતા હોય, તો મહેરબાની કરીને આવી આત્મઘાતક પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઇ જશો.
    ગંભીર-પરિપક્વ-ગીતાર્થ ગુરુ ભગવંત પાસે પ્રમાણિત કરાવ્યા વિના કોઇ વાતમાં કર્તવ્ય-અકર્તવ્યનો નિર્ણય કરી શકાય નહીં, તો પ્રરૂપણા તો ક્યાંથી થાય?
  • કદાચ, કોઇ ગુરુ ભગવંતના મોઢે સાંભળીને આવું કોઇ બોલી રહ્યું હોય તો તેમને કહેવાનું કે – આગળ જણાવાતા શાસ્ત્રસંદર્ભો વગેરે વિચારશો, તો એ ગુરુ ભગવંતની ગીતાર્થતા પર જ પ્રશ્ન ઊભો થશે. કદાચ કોઇ કારણવિશેષને આશ્રયીને ગીતાર્થે કંઇ કહ્યું હોય, તો તેને સાર્વત્રિક બનાવી દેવાય નહીં.
  • હવે મૂળ વાત પર આવીએ.
    સાધુ-સાધ્વી ભગવંતોએ ગામડાંઓમાં જ વિહાર કરવો જોઇએ ?
  • આ વિષયમાં શાસ્ત્રો શું કહે છે ?
    સાધુ ભગવંતોના આચારો જણાવતાં એક પણ શાસ્ત્રમાં આવું વિધાન જોયું નથી. એથી ઊલટાં વિધાનો જોવા મળશે:
    • પ્રતિમાધારી સાધુઓ, ગામડાંમાં એક જ દિવસ રહે, નગરમાં પાંચ દિવસ રહે – એવું શાસ્ત્રવચન છે. એટલે કે ગામ કરતાં નગરમાં વધુ સમય રહેવાનું છે.
    • ચાતુર્માસને યોગ્ય ક્ષેત્રના જે ગુણો કલ્પસૂત્રની ટીકા વગેરે ગ્રંથોમાં બતાવ્યા છે, તે ગામડાંમાં મળવા અશક્યપ્રાયઃ છે, શહેરોમાં જ તે સંભવી શકે તેવા છે.
    • માસકલ્પને યોગ્ય ક્ષેત્રના જે ગુણો ઓઘનિર્યુક્તિ વગેરે ગ્રંથોમાં બતાવ્યા છે, તે પણ શહેરોમાં જ સંભવિત છે.
  • આ વિષયમાં પૂર્વપુરુષોની આચરણા શું હતી ?
    • પ્રભુ વીરે રાજગૃહીમાં સૌથી વધુ ચાતુર્માસ કર્યા.
    • પૂર્વકાળના મહાપુરુષોના ચરિત્રોમાં પણ ખંભાત-રાધનપુર-પાટણ વગેરે ક્ષેત્રોમાં ચાતુર્માસોની મહત્તમ વાતો મળે છે, જે બધાં શહેરો જ હતા.
  • સાધુ-સાધ્વી ભગવંતો ‘ક્યાં રહેવું ?’ તેનો નિર્ણય શેના આધારે કરે ? તે માટે શાસ્ત્રમાં સ્પષ્ટ વિધાન છે ->
    જ્ઞાન-દર્શન-ચારિત્રની વૃદ્ધિ થાય, તેવા સ્થાનમાં રહેવું.
    વર્તમાનકાળે તે ગામડાંમાં છે કે શહેરમાં ? તે વિચારીએ, તો સ્પષ્ટ જણાય છે કે શહેરમાં જ વધુ છે. આ વાત વિસ્તારથી જણાવીશ.
  • આમ શાસ્ત્ર – પૂર્વપુરુષોની આચરણા – તર્ક બધાનો અભિપ્રાય એ જ નીકળે છે કે સાધુઓ મહત્તમ કાળ શહેરમાં રહે. તો પછી ‘સાધુઓએ ગામડાંઓમાં જ રહેવું જોઇએ’ એવું કહેવા માટે આધાર શું ? સ્વમતિકલ્પના કે બીજું કાંઇ ?
  • કેટલાક માને છે કે સંયમ (ચારિત્ર)ની શુદ્ધિ ગામડાંઓમાં છે, શહેરોમાં નથી… આ માત્ર ને માત્ર ભ્રમ છે.. એ વાત પર ઊંડાણથી વિચારીએ. સંયમશુદ્ધિના માપદંડો શું ? મુખ્યતયા નિર્દોષ ગોચરી, પારિષ્ઠાપનિકા ભૂમિ, બ્રહ્મચર્યની રક્ષા વગેરે… એક-એક પર વિચાર કરીએ.

ગોચરી

સહુ જાણે છે કે ગામડાંઓમાં જૈનોનાં ઘર છે જ નહીં, અથવા અલ્પ છે. તો નિર્દોષ ગોચરી શી રીતે મળે ?
પ્રશ્ન: જૈનેતરોને ત્યાંથી મળે ને ?
ઉત્તર: 

  1. જૈનેતરોને ત્યાં ક્વચિત્ જવામાં આવે, તો તેઓ ભાવપૂર્વક વહોરાવે છે, તે વાસ્તવિક હકીકત છે. સેંકડો વાર હું પોતે આનો અનુભવ કરી ચૂક્યો છું. આ વર્ષે કરેલા લગભગ ૭૦૦ કિ.મી. ના વિહારમાં મેં (મારા લગભગ બધા સાધુઓએ) રસોડાંનું કશું વાપર્યું નથી. આ લખું છું, તે સ્થળ પણ ગામડું છે, જૈનોનાં બે જ ઘર છે. સાધુઓ જૈનેતરોમાં વહોરવા જવાના છે.
    પણ, વારંવાર જવામાં આવે, તો સુખી-સંપન્ન જૈનોના ભાવમાં પણ ઘટાડો થાય છે, યાવત્ અનાદરમાં પરિણમે છે – એ અનુભવ કોનો નથી ? તો જૈનેતરોમાં તેવું થવાનું જ, તે નિશ્ચિત છે.
    વિહારનાં કેટલાંક ક્ષેત્રોમાં, આપણા સ્થાનની નજીકનાં જૈનેતરોમાં તેવો અનુભવ થયેલો છે. હજુ ગઇકાલે જ આ અનુભવ થયો છે.
  2. જૈનેતરોને ત્યાં શું મળે ? રોટલી/રોટલા વગેરે આહાર મળે. દાળ-શાક-ભાત ન મળે અથવા અલ્પ મળે.
    પ્રશ્ન : સાધુએ તેના વિના ચલાવી ન લેવું જોઇએ ?
    ઉત્તર : એ આદર્શ ખરો, પણ સર્વદા શક્ય ન પણ હોય. કો’ક દિવસ ચલાવી શકાય. કાયમ તેના વિના ચલાવવું દુ:શક્ય છે.  વળી, બિમારી, પાચનની મંદતા હોય તો આપણો (ગુજરાતીઓનો) મુખ્ય ખોરાક ભાત-દાળ છે, જે જૈનેતરોમાં લગભગ દુર્લભ હોય છે.
  3. જૈનેતરોને ત્યાં સવાર-સાંજ ગોચરી ન મળે.
    પ્રશ્ન: સાધુઓએ તો એકાસણું જ કરવાનું હોય ને ?
    ઉત્તર: એ પણ આદર્શ છે. સર્વદા પ્રેક્ટિકલ નથી. બાળ-વૃદ્ધ-બિમાર… બધા એ ન કરી શકે અને બધા એકાસણું કરતા હોય તો પણ, શાસ્ત્ર જણાવે છે કે ત્રણે ટાઇમ ગોચરી સુલભ હોય, તેવાં ક્ષેત્રમાં જ સ્થિરતા કરવી. તેના માટે, ક્ષેત્ર-પ્રત્યુપેક્ષણા નામનો વિધિ છે. ૩-૫-૭ સાધુ પહેલાં તે ક્ષેત્રમાં જઇને, ત્રણે ટાઇમ ગોચરી ફરીને નિર્ણય કરે. (કયું ગામડું આ પરીક્ષામાં પાસ થશે ? તે પેલા બુદ્ધિજીવીઓ જણાવશે ?)
  4. જૈનેતરોને ત્યાંથી ગોચરી મળે, પાણીનું શું ?
    આપણા માણસો પણ પાણી ઉકાળવામાં ઘાલમેલ કરે છે. જાણીને પણ સચિત્તતાની શંકાવાળું પાણી વાપરવાના અવસર આવે છે. ત્યારે જૈનેતરોમાંથી શી રીતે પાણીની વ્યવસ્થા કરવી ? એક ગેસનો બાટલો કદાચ ૧૦૦૦ ₹ નો આવે છે. રોજનું ૧૦ ઘડા પાણી ઉકાળવાનો ખર્ચ કદાચ ૨૦૦ ₹ આવતો હશે. તે કોણ જૈનેતર કરવા તૈયાર થશે ?ત્રણ દિવસ પૂર્વે એક શહેરમાં પહોંચ્યા. પાણી લેવા ગયેલા મહાત્માએ આવીને મને કહ્યું – બાજુના ૧૦ કિ.મી. દૂરના ગામમાં ૧૦-૧૨ સાધુ ભગવંતો આવ્યા છે. તેમના માટે કેનમાં પાણી લેવા બે જણા આવ્યા હતા. (તે ગામ-મહાત્માનું નામ અહીં ઇરાદાપૂર્વક જણાવ્યું નથી.)
    પાણી માટે ૧૦+૧૦ કિ.મી. વાહન ચલાવવું પડે, તેમાં કયું સંયમ છે ?
    અનંત નિગોદજીવો, સેંકડો ત્રસજીવોની વિરાધના તેમાં થાય છે અને હું કહીશ કે તે મહાત્મા પુણ્યશાળી કહેવાય, કે તેમના માટે પાણી લેવા જવા કોઇ તૈયાર થયું… કોઇ સંસ્થાએ ઉકાળી આપવા તૈયારી બતાવી… મારા જેવા પુણ્યહીનને તો ૨૫ રૂપિયાની ટ્યૂબ મંગાવવા પણ ૩ દિવસ રાહ જોવી પડેલી !
  5. કોઇ અચાનક ગ્લાન થાય, અને તેને વિશેષ દ્રવ્યોની જરૂર પડે, તો શું કરવાનું? જૈનેતરોને ત્યાં સૂચના કરવામાં શાસન-હીલનાનો મોટો દોષ આવી શકે. ‘એક બાજુ કહે છે કે અમારા માટે બનાવેલું ના લઇએ… પાછા બનાવવાની સૂચના કરે છે…’ આવો દુર્ભાવ ન થાય ?
    મોંઘી વસ્તુ હોય તો મળવી દુષ્કર પણ થાય..

આમ ગોચરીની બાબતમાં કોઇપણ રીતે ગામડાંમાં સંયમશુદ્ધિ નથી.

પારિષ્ઠાપનિકા

  • એવું મનાય છે કે ગામડાંઓમાં પારિષ્ઠાપનિકા ભૂમિ સુલભ છે, શહેરોમાં નહીં… આ પણ મોટો ભ્રમ છે.. પારિષ્ઠાપનિકા ભૂમિ બે કાર્ય માટે જોઇએ – માતરું તથા સ્થંડિલ.
    હું નિઃશંકપણે કહીશ કે માતરું પરઠવવાની અનુકૂળતા શહેરોના ઉપાશ્રયોમાં જેટલી સરળતાથી મળે છે, તેટલી ગામડાંઓમાં નથી મળતી. ગામડાંઓના ઉપાશ્રયો મોટે ભાગે બજારોમાં છે. બે કે ત્રણ બાજુ તો અડીને બીજા મકાન હોય… એક બાજુ ગલી/દુકાનો હોય… કંપાઉન્ડ જેવું હોય જ નહીં… આ લગભગ ૭૫-૮૦% ગામડાંઓના ઉપાશ્રયોની કથની છે. (હું નામો લખવાનું ટાળી રહ્યો છું. પણ અમદાવાદની પોળોના ઉપાશ્રયે જોઇ શકાય, જે જૂના શહેરમાં આવે.)
  • અલબત્ત, શહેરોમાં પણ કેટલાક ઉપાશ્રયમાં આ સગવડ નથી. પણ તેનું કારણ, વ્યવસ્થાપકોની બેદરકારી (અથવા તેવી માન્યતા કે આધુનિક સિસ્ટમ જ વાપરવી જોઇએ) છે. બાકી શહેરોમાં કાયદા મુજબ કંપાઉન્ડમાં ખુલ્લી જગ્યા છોડવી જ પડે છે, જ્યાં આ વ્યવસ્થા સરળતાથી થઇ જ શકે છે. મુંબઇ-સુરત-અમદાવાદના ઘણા ખરા ઉપાશ્રયોમાં છે જ.
  • સ્થંડિલ માટેની વાત કરું તો, ગામડાંઓમાં એવા અનુભવો થઇ રહ્યા છે કે ખેતરો (નર્મદાની નહેરના પ્રભાવે) લીલા રહે છે…  ખરાબાની ભૂમિમાં ગાંડો બાવળ હોય છે. દોઢ-દોઢ કિ.મી. સુધી સ્થંડિલભૂમિ ન મળવાથી પાછા આવવું પડ્યું છે… પોણો-એક કિ.મી. જવું પડે, તેવું તો લગભગ બધે બને છે.
    હા, શહેરોમાં પરિસ્થિતિ વધુ સારી છે – તેવું પણ નથી. એટલું ખરું કે વહેલી સવારે અંધારામાં શહેરોમાં પારિષ્ઠાપનિકા ભૂમિ મળવી, ગામડાં કરતા વધુ સરળ છે; તે અનુભવ્યું છે. તેનું કારણ ખાલી પડેલા રિઝર્વ્ડ/વાંધાવાળા પ્લોટો છે. જ્યારે ગામડાંમાં તેવી જગ્યા પ્રાય: હોતી નથી.
  • ગામની બહાર જ જવું પડે પણ દિવસે શહેરમાં ભૂમિ વધુ દુર્લભ છે. (જો કે તેના ઉપાયો – ડોમ વગેરે, શહેરમાં મળે છે, ગામડાંમાં નહીં.) એટલું યાદ રાખવું ઘટે કે સ્થંડિલભૂમિ કરતાં માતરું પરઠવવાની ભૂમિનો ઉપયોગ ૫-૧૦ ગણો વધુ કરવાનો થાય, જે બાબતમાં શહેરો વધુ માર્ક મેળવે. વાડાની-હરિજન દ્વારા સફાઇની વ્યવસ્થા, ગામડાંમાં તો લગભગ છે જ નહીં… શહેરમાં મળી શકે. ગામડાંના ઉપાશ્રયોમાં વૃદ્ધ-ગ્લાનને સ્થંડિલ જવા બેસવાની વ્યવસ્થા પણ જ્વલ્લે જ જોવા મળે છે.

બ્રહ્મચર્ય

  • શહેરી લોકોના પહેરવેશ બગડ્યા છે, એ વાત સાચી છે; પણ ઉપાશ્રયમાં રહેનાર સાધુને એ વાત લાગુ પડતી નથી. ગોચરી જનાર સાધુ માટે જ એ જોખમ છે. ગામડાંમાં પરિસ્થિતિ તે વિષયમાં થોડી વધુ સારી કહી શકાય; પણ તે કેટલો કાળ રહેશે ? તે પ્રશ્ન છે. અને શહેરોમાં સંસ્કારી ઘરોમાં તે વિષયમાં સાવધાની હોય છે જ.

અન્ય

  • દવા, વૈદ્ય, ડૉક્ટર, ઉપકરણ વગેરે… શહેરમાં અલ્પ દોષ-વિરાધનાથી મળી શકે, ગામડાંમાં વધુ દોષ લાગે – લગભગ બહારગામથી મંગાવવા પડે-આવે. વિરાધના જ થાય, અસંયમ જ વધે.
    જ્ઞાનભંડારો તો ગામડાંઓમાં છે જ નહીં. અભ્યાસ માટેના ગ્રંથો બહારથી જ મંગાવવા પડે, વિરાધના જ થાય, અસંયમ જ વધે.
    શાસનના કોઇ પણ કાર્ય કરતા હોય, તેને બધી જ સામગ્રી બહારથી જ મંગાવવી પડે… લોકોને બહારથી જ બોલાવવા પડે..
  • ગંભીર બિમારી આવે, તો શહેરમાં તાત્કાલિક સારવાર મળતાં, જીવન બચી શકે… સમાધિ સચવાઇ શકે… ગામડાંમાં તેવી સામગ્રીના અભાવે આત્મ-વિરાધના થઇ શકે – મૃત્યુ કે જીવનભરની ખોડ આવે, દુર્ધ્યાન થાય, વિરાધનાઓ કરીને શહેરમાં જવું પડે…
  • ગ્લાનાદિથી યુક્ત ગ્રુપ માટે તો ગામડાંઓમાં રહેવું અશક્યપ્રાયઃ છે.
    પ્રશ્ન: ગ્લાનાદિને શહેરમાં મૂકીને જવાય ને ?
    ઉત્તર: તેમની સેવામાં મૂકી શકાય તેવા યોગ્ય-સમર્થ-ગંભીર સાધુઓ હોય, તો જ તે શક્ય બને; જેવું લગભગ હોતું નથી. ગુરુનિશ્રા વિના તેમનો સ્વાધ્યાય સીદાય, સ્વચ્છંદતા આવે, વૈરાગ્ય ઢીલો પડે, ગ્લાનની સમાધિ જોખમાય… વગેરે અનેક નુકસાનો સંભવિત છે, તે અનુભવેલી ચીજ છે અને, જે શિષ્યએ જીવન સમર્પિત કર્યું હોય, તેની સમાધિ જોખમમાં મૂકીને અન્યત્ર જવું – તે ગુરુ માટે ઉચિત ખરું ? તે વિચારવા જેવું છે. મા-બાપ કે બિમાર પત્ની-પુત્રાદિને અલગ મૂકીને સંઘસેવા માટે નીકળી પડતાં શ્રાવક માટે શું કહેશો ?
  • આ બધું બતાવે છે કે સંયમની શુદ્ધિ, સર્વ રીતે શહેરમાં જ વધુ છે. કોણે ? શી રીતે? નિર્ણય કર્યો કે સંયમની શુદ્ધિ ગામડાંમાં છે… તે પ્રભુ જાણે ! રખે એવું માનતા કે માત્ર શહેરોમાં રહીને હું આ લખી રહ્યો છું. જ્યારે અમે બે-ત્રણ સાધુ જ હતા, ત્યારે ખીંમત-ધીણોજ જેવા ગામડાંઓમાં માસકલ્પ મેં કરેલા છે.

જ્ઞાનાદિની વૃદ્ધિ

  • જ્ઞાનની વૃદ્ધિ ગામડાંઓમાં કે શહેરોમાં ?
    શહેરોમાં નવી ઢબથી બંધાયેલા ઉપાશ્રયોમાં અજવાળું સવિશેષ હોય છે, કારણકે તેવી કાળજી રખાય છે. ચારે બાજુ ઘણી બારીઓ, નીચી અને મોટી બારીઓ હોય છે.
    ગામડાંઓમાં જૂની ઢબના બાંધકામોમાં એક બે દિવાલ તો બાજુના મકાન સાથે કોમન હોવાથી બારી હોતી નથી. જે બારી હોય છે, તે નાની-ઊંચી-અલ્પ હોય છે. ગામડાંમાં બેસીને જ આ નિબંધ લખી રહ્યો છું, તે ઉપાશ્રયનો ૬૦% ભાગ સવારે ૧૦.૩૦ વાગે વાંચી શકાય તેવા અજવાળા વગરનો છે !
    અજવાળાવાળા ઉપાશ્રયમાં સવાર-સાંજ પોણો થી એક કલાક વધુ સ્વાધ્યાય થાય, ૧૦ સાધુ હોય તો રોજના ૧૫ થી ૨૦ કલાક સ્વાધ્યાય વધે.
    શંકા પડે તો પૂછવા માટે ભણાવનારા પંડિતો, નજીકમાં અન્ય વિદ્વાન્ સાધુઓ, સંદર્ભ ગ્રંથો… બધું શહેરમાં જ મળી શકે તેમ છે.
    જ્ઞાનવૃદ્ધિ ક્યાં થાય ? એનો નિર્ણય અસંદિગ્ધ છે.
  • દર્શનશુદ્ધિના નિમિત્તો છે -> જિનાલયો, ગુણવાન્ સાધુઓ, આરાધક શ્રાવકો વગેરે… જિનાલયો તો સર્વત્ર છે. પણ ગુણવાન્-આરાધક શ્રમણો કે શ્રમણોપાસકો – શહેરમાં જ મળે છે.
    દર્શનશુદ્ધિ માટે ઉપાયભૂત ગણાતાં ગ્રંથોનો અભ્યાસ કરાવનારા શહેરમાં જ મળી શકવાના છે.
  • જ્ઞાન-દર્શન-ચારિત્રશુદ્ધિનો આધાર – શારીરિક આરોગ્ય પણ છે, માનસિક સમાધિ પણ છે. ગામડાંમાં વૈદ્ય-ઔષધાદિ તો દુર્લભ છે જ. પણ ગોચરીની અનિયમિતતાના કારણે પણ આરોગ્ય સાચવવું અઘરું છે.
    રોટલી નાની-મોટી, જાડી-પતલી આવવાથી ‘કેટલી વપરાશે ?’ તેનો અંદાજ ન આવે… ઘી વિના ઘઉં પચે નહીં – તેવું વૈદો કહે છે, અને ઘી દુર્લભ હોઇ શકે… શાક-દાળ વગેરેની અનિયમિતતાના કારણે તેના બદલે જે ગોળ વગેરે લેવાય, તેના પ્રમાણનો ખ્યાલ ન આવે… આ બધાનાં કારણે પાચનતંત્ર ખોરવાઇ જાય છે, એ અનુભવસિદ્ધ છે.
    (હજારો કિ.મી.ના વિહારો, રસોડાંનું વાપર્યા વિના, જૈનેતરોના ઘરોની ગોચરીથી કર્યા છે, આજે પણ કરું છું. પણ જે વાસ્તવિકતા છે, તેને નકારી શકાતી નથી. મુંબઈથી સૌરાષ્ટ્રના વિહારોમાં રોજ આ રીતના જૈનેતરોના લુખ્ખા આહારથી, એક ગ્રુપના એક સાધુને ટાઇફોઇડ અને બીજા સાધુને કમળો થયેલો – એ મેં જોયું છે; જે બંને રોગ પાચનતંત્ર અતિ મંદ થવાથી જ થાય છે.)
  • બધી રીતે સાધુને પોતાની આરાધના માટે – પોતાના જ્ઞાન-દર્શન-ચારિત્રની શુદ્ધિ-વૃદ્ધિ માટે શહેર, ગામડાં કરતાં વધુ અનુકૂળ છે, એવું જ નિશ્ચિત થાય છે.

શાસન-પ્રભાવનાદિ

  • હવે શાસન-પ્રભાવના, શાસન-રક્ષા, પરોપકાર, બીજાના જ્ઞાનાદિની વૃદ્ધિની દૃષ્ટિએ વિચારીએ.
  • સંપત્તિ વિના તીર્થો, શ્રુત વગેરે સચવાવું શક્ય નથી. સંપત્તિમાનો શહેરમાં જ છે. જો બધા સાધુઓ ગામડાંમાં રહેશે, તો તે સંપત્તિમાનોને ધર્મમાં જોડેલા કોણ રાખશે? તેના વિના શાસન શી રીતે ચાલશે ?
  • સત્તાવાનો કે સત્તાધારીઓ સાથે જેના છેડા અડતા હોય, તેવા લોકો પણ શહેરમાં જ છે, જેઓ શાસનરક્ષા-પ્રભાવના માટે અનિવાર્ય અંગ છે. તેમને જોડેલા રાખવા, પ્રભાવક સાધુઓએ શહેરમાં રહેવું જરૂરી નથી શું ?
  • સાધુઓના ગામડાંના વિહારો, શહેરી શ્રીમંતોની સંપત્તિના આધારે જ થાય છે, એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.
  • લાખો જૈનો શહેરોમાં રહે છે. તેમની નવી પેઢીને ધર્મમાં જોડી રાખવા શહેરમાં રહેવું જરૂરી નથી ? દર વર્ષે સેંકડો દીક્ષાઓ શહેરી જૈન કુટુંબોમાંથી થાય છે. તેની ઉપેક્ષા કરીને ગામડાંમાં ચાલ્યા જઇએ, તો શ્રમણો વિના શાસનની વૃદ્ધિ કેમ થશે? 
  • ગામડાંમાં તેમાંથી વધુ નવા જૈનો બનાવી શકાય તેવું મારું માનવું નથી. હવેલી લેતાં ગુજરાત ખોવા જેવી ઘટના થવાની છે. ચારે કોર ધર્મમાં કટ્ટરતા આવી છે. હિંદુઓને સાધુ પ્રત્યે સદ્‌ભાવવાળા કરી શકાશે, જૈન બનાવવા સરળ નથી. મોટા પાયા પર જો આવી પ્રવૃત્તિ થઇ, તો વિરોધનું ભયંકર વાવાઝોડું આવી શકે, કાયદા પણ આવી શકે.
    તો ગામડાંઓમાં શાસન-પ્રભાવના શું થવાની છે ?
    હજારોને સમ્યગ્દૃષ્ટિ બનાવી શક્યાનું પુણ્ય કોઇનું દેખાતું નથી. કરી શકે, તો પણ તેના કરતાં એકને વિરતિ પમાડવામાં વધુ લાભ છે – તે શાસ્ત્રવચન છે.

ઉપસંહાર

  • જુઓ એક વાત કહી દઉં – સાધુઓએ શહેરમાં જ રહેવું જોઇએ, એવો મારો અભિપ્રાય નથી. સંયમાદિની શુદ્ધિ-વૃદ્ધિ, શહેરમાં વધુ છે, એ હકીકત રજૂ કરી છે. તેવા કારણોથી શહેરમાં રહેનારા સાધુઓ જિનાજ્ઞાપાલન જ કરી રહ્યા છે, સાચા સંયમી જ છે, એ મારે જણાવવું છે.
    ‘સાધુઓ ગામડાંમાં નથી જતાં’ એવું કહેનારાનો અભિપ્રાય પ્રાય: એવો હોય છે કે કષ્ટોના ડરથી નથી જતા…સુખશીલતા પોષવા શહેરમાં રહે છે.. સગવડો ભોગવવી છે.. જે ખરી વાસ્તવિકતા નથી. સંયમને લક્ષમાં રાખીને શહેરમાં રહેનારા સાધુઓ માટે આવું માનવું, તે સમ્યગ્દર્શનને મલિન કરવા રૂપ છે. આવું કહેવું, તે ગુણવાન્‌ના અવર્ણવાદ છે, બીજાના સમ્યગ્દર્શનને પણ મલિન કરનાર છે. શાસનની રક્ષા કે પ્રભવાના નહીં, મહા-અપભ્રાજના છે !શહેરમાં રહીને સળંગ આયંબિલો કરનારા, મેવા-મીઠાઈ ત્યાગનારા, એક-દોઢ કિ.મી. દૂર ગોચરી જનારા, ૨૦-૩૦ માળ દાદરા ચડનારા સાધુઓ છે.
    કોઇ ગ્રુપના વડીલને ગામડાંમાં સંયમશુદ્ધિ વધુ લાગતી હોય છે કે કેટલીક અશુદ્ધિ ચલાવીને પણ ત્યાં રહેવું ગમતું હોય, તો તે તેમની ઇચ્છાની વાત છે. તેમણે શહેરમાં જ રહેવું જોઇએ – એવું હું કહેવા માંગતો નથી.
    પણ જો તેઓ કે બીજા, એવું માનતા હોય કે તેઓ જ સાચા સંયમી છે, તો તે ઘોર અજ્ઞાન જ છે, હજારો સાધુઓનો અનાદર-અવર્ણવાદ છે – તે મારે ભારપૂર્વક કહેવું છે.
  • અંતે એક મહત્ત્વની વાત કહેવી છે.
    કોઇપણ સંસ્થા દૃઢ કરવા, દરેક અંગ દૃઢ કરવું પડે.
    જિનશાસન એક વિરાટ સંસ્થા છે. તેની દૃઢતા માટે, તેના સર્વ અંગો દૃઢ કરવા પડે.
    બધી જ સંપત્તિ-શક્તિ-સમય, એક જ અંગને દૃઢ કરવા તરફ વાળી દેવા – તે નરી મૂર્ખતા જ બને, સમગ્ર સંસ્થાને તોડી નાખવાનું ઘોર અકૃત્ય બને.
    એટલે ગીતાર્થ-અનુભવી-પરિણતનો ઉપદેશ, સર્વત્ર ‘બેલેન્સ’ રાખવાનો જ હોય. હા, પોતાનું કાર્યક્ષેત્ર કોઇ એક હોય, તે બની શકે; પણ બીજા કાર્યક્ષેત્રમાં કાર્ય કરનારાનો અનાદર ન હોય.
    મારું મુખ્ય કાર્યક્ષેત્ર શ્રુતસેવા (અધ્યાપન, સંશોધન, સંપાદન, જ્ઞાનભંડાર, પાઠશાળા) રહ્યું છે. તીર્થરક્ષાદિ કાર્યોની મને સૂઝ નથી, તેથી વિશેષ રુચિ પણ નથી. પણ તેથી, તે કાર્ય કરનારા પ્રત્યે અનાદર ન હોવો જોઇએ અને નથી જ.
    જિનશાસન સ્યાદ્વાદમય છે. સર્વત્ર ‘સ્યાદ્’ આવશે – ‘પણ’ આવશે.
    શાસન ચલાવવા શ્રુતરક્ષા પણ કરવી પડે, તીર્થરક્ષા પણ કરવી પડે. શહેરોમાં પણ વિચરવું પડે, ગામડાંઓમાં પણ વિચરવું પડે.
  • પ્રશ્ન: લાંબો સમય ગામડાંમાં કદાચ ન રહેવાય. પણ વિહારો હાઇવેના બદલે ગામડાંઓમાંથી ન કરવા જોઇએ ?
    ઉત્તર: આ પણ બોલવું સહેલું છે, કરવું અઘરું છે.
    છેલ્લા ૪/૫ વર્ષથી મારી સાથે વિહારમાં દીક્ષાર્થીઓ-મુમુક્ષુઓ સદા રહે છે. મેં અનુભવ્યું છે કે તેમની વ્યવસ્થાઓ ગામડાંમાં ઉપલબ્ધ ન થતી હોવાથી, જે મુખ્ય રૂટો પર તીર્થો/વિહારધામોમાં તેમના માટે વ્યવસ્થાઓ છે, ત્યાંથી જ વિહાર કરવો પડે છે.
    ગ્લાન-વૃદ્ધાદિ સાધુઓ હોય, તો પણ એ અનિવાર્ય બને છે. ૧૦-૧૫ સાધુઓને રહેવા માટે મકાન પણ ગામડાંઓમાં સરળતાથી મળતા નથી.
    આ વર્ષનો એક અનુભવ કહીને પૂરું કરું – ૩/૪ કિ.મી.નો વિહાર વધારીને ૫૦ જૈન ઘર ધરાવતા એક વિસ્તારમાં થઇને જવાનું નક્કી કર્યું. ત્યાં સમાચાર આપ્યા. તો વહીવટકારોએ કહ્યું – અમારાથી ૯ સાધુઓ માટે પાણીની વ્યવસ્થા નહીં થઇ શકે !
    વધુ કંઇ કહેવાની જરૂર રહે છે ખરી ? 

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *