- એ હતા, જૈન ધર્મના તીવ્ર દ્વેષી – ગોવિંદ એમનું નામ…
જૈનોને વાદમાં કોઈ પરાજિત કરી શકતું નહીં, એટલે એ અત્યંત અકળાઈ જતા હતા…
એમણે વિચાર્યું – દીક્ષા લઉં…જૈનોના બધા ગ્રંથો ભણું… એમાં ક્યાં ક્યાં ત્રુટિઓ (Loopholes) છે – એ જાણું… પછી તેમને વાદમાં પરાજિત કરું… એના માટે એમણે દીક્ષા લીધી… એવો આબાદ વેશ ભજવ્યો કે ગુરુ પણ છેતરાઈ ગયા… દીક્ષા આપી, ભણાવ્યા… ક્ષયોપશમ એટલો તીવ્ર હતો કે સડસડાટ ભણી ગયા… એટલું ભણ્યા કે ગુરુએ એમને આચાર્ય પદવી આપવાનો નિર્ણય કર્યો… એમને જાણ કરી કે તમને આચાર્ય પદવી આપવાની છે…
ત્યારે તેમણે ગુરુને કહ્યું – પહેલાં મને ફરી દીક્ષા આપો…
ગુરુ તો ચોંકી ગયા…
તેમણે ખુલાસો કર્યો – મેં દીક્ષા આત્મકલ્યાણ માટે લીધી જ નહોતી… જૈનોનાં છિદ્રો જાણીને પરાજિત કરવા માટે જ લીધેલી… પણ ભણતાં ભણતાં મને બ્રહ્મજ્ઞાન થયું કે હકીકતમાં સાચો માર્ગ જિનશાસન પાસે જ છે… જૈન ધર્મ જ સત્ય છે… એટલે હવે મારે સાચી દીક્ષા લેવી છે…
- પ્રસંગ તો નાનકડો છે, પણ આપણને બોધ એ આપે છે કે જૈનોને પરાજિત કરવાના વિપરીત(અશુભ) ભાવથી લીધેલી દીક્ષા અને કરાયેલો શાસ્ત્રાભ્યાસ, ગોવિંદાચાર્યનું આત્મકલ્યાણ કરનારો બની ગયો !
ભાવ વિનાની આરાધનાની તાકાત શું છે ? એ આ પ્રસંગમાં અત્યંત સ્પષ્ટ જણાઇ આવે છે.
તો ભાવ વિનાની આરાધનાને સર્વથા નિષ્ફળ તુચ્છ કોરો વ્યવહાર જડ ક્રિયા કહી શકાય ખરી ?

