- એ કાળે ખંભાત ધમધમતું શહેર હતું… શ્રાવકોની પુષ્કળ વસતિ હતી… સાધુ-સાધ્વી ભગવંતોથી ભર્યું ભાદર્યું રહેતું હતું.
ખંભાતના એ પ્રસિદ્ધ નગરશેઠ હતા..
નગરશેઠનો પરિવાર બહોળો… નોકર-ચાકરો ઘણા… તેથી રસોડું મોટું હતું… મહાત્માઓને નિર્દોષ ગોચરી સહજ મળી રહેતી, તેથી મહાત્માઓનો લાભ પણ સારો મળતો…
- નગરશેઠે રાખેલ રસોઇયો, શરૂઆતમાં તો ફરજના ભાગરૂપે મહાત્માઓને વહોરાવતો… ક્યારેક, ‘આ બધા વહોરવા આવે છે, તેથી મારે મહેનત વધે છે’ એવો ભાવ પણ જૈનેતર રસોઇયાને અછડતો સ્પર્શી જતો હોય, તે સંભવિત તો છે જ… પણ ધીરે ધીરે મહાત્માઓનો પરિચય થતો ગયો… જૈન સાધુના ઉચ્ચ કક્ષાના આચારો જાણવા મળ્યા… તેમના નિઃસ્પૃહ જીવનને નજીકથી પિછાણ્યું… તેનાથી જૈન સાધુ પ્રત્યે, સંયમ પ્રત્યે આદર પ્રગટ્યો… એ આગળ જતાં એટલો વધ્યો કે સ્વયં સંયમ લેવાની ઇચ્છા થઇ… પ્રબળ બની… શેઠે સહર્ષ રજા આપી… શાસનસમ્રાટ સમુદાયમાં દીક્ષા લીધી… શાસ્ત્રાભ્યાસ અને સંયમના બળે આંતરિક અને બાહ્ય પ્રગતિ સાધીને આચાર્યપદ પ્રાપ્ત કર્યું. આગળ જતાં શાસનસમ્રાટ સમુદાયના ગચ્છાધિપતિ બન્યા… નામ એમનું પૂ. આ. શ્રી મેરુપ્રભસૂ. મ.સા.
નોકરી(ફરજ)ના ભાગરૂપે કરાતું સુપાત્રદાન પણ એક વ્યક્તિને આચાર્યપદ – ગચ્છાધિપતિપદ સુધી પહોંચાડી શકે છે – એ ક્રિયાની તાકાત છે…
